બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાતા હવે ગુજરાત પર ખતરો વધ્યો
ગાંધીનગર :
અરબી સમુદ્રમાં સક્રિય બનેલું વાવાઝોડુ બપોરજોયની હવે ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ગુજરાત માં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.