ઓબીસી સંમેલનમાં ભીડ ભેગી કરવા સફાઇ કામદારોને લઇ જવાયાઃ અંકિત બારોટ
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત ની સરકાર દ્વારા જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આભારવિધિ કાર્યક્રમ ભાજપની ઓબીસી પાંખ દ્વારા ગાંધીનગરના સેક્ટર-11માં યોજાયો હતો. જેમાં ભીડ ભેગી કરવા માટે મહાનગરપાલિકાના સફાઇ કામદારોને કામગીરી પડતી મૂકીને લઇ જવાયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના અંકિત બારોટે કર્યો છે. કચરો લઇ જવાની ગાડીમાં સફાઇ કામદારોને બેસાડીને કાર્યક્રમમાં લઇ જવાતા ભારે વિવાદ સર્જાયો છે. જેના ફોટા પણ વાયરલ થયા છે. મનપાના વિપક્ષના નેતા અંકિત બારોટે કહ્યું કે અનામત મુદ્દે ભાજપે કાયમ ઓબીસી સમાજને ગેરમાર્ગે દોર્યો છે. 27 ટકા અનામતનો જશ ખાટવા મોટાપાયે સંમેલન યોજાયું હતું. પરંતુ ભાજપની આ ચાલ સમજી ગયેલા ઓબીસી સમાજના લોકો સંમેલનમાં નહીં આવતા અને છેલ્લી ઘડીએ ભીડ ભેગી નહીં થતાં નેતાઓ હાંફળા ફાંફળા થઇ ગયા હતા. જેથી સંખ્યા વધારે બતાવવા અને મંડપ ભરવા માટે મનપાના સફાઇ કામદારોને અને શ્રમજીવીઓને પરાણે ગાડીઓમાં ભરીને સમારોહ સ્થળે લવાયા હતા. તે પણ અન્ય કોઇ વાહનમાં નહીં પણ કચરો એકત્ર કરવાની ગાડીમાં બેસાડીને સમારોહ સ્થળે લાવીને શ્રમજીવી વર્ગનું અપમાન કરવામાં આવ્યું છે. જેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ક્ચરા ગાડીમાં સફાઇ કામદારો અને શ્રમજીવીઓને ભાજપના ખેસ પહેરાવીને સંમેલનમાં લાવવાના ફોટા વાયરલ થતા વિવાદ સર્જાયો હતો.