ગાંધીનગરના રેસ્ક્યુઅર્સે દહેગામ નજીકથી અજગરનું રેસ્કયું કર્યું
ગાંધીનગર શહેરના અનેક યુવા પ્રકૃતિપ્રેમી અને વન્યજીવ પ્રેમી રેસ્ક્યુઅર્સ સરિસૃપો, પ્રાણીઓ અને પક્ષીઓના રેસ્કયુકાર્યની પ્રસંશનીય સેવાઓ આપી રહ્યાં છે. આજે આવા જ કેટલાંક સ્વયંસેવકોએ દહેગામ તાલુકામાં નજીપુર ગામેથી આશરે પંદર ફૂટથી વધુ લંબાઈ ધરાવતા અજગરનું બચાવકાર્ય કર્યું હતું.
ઘટનાની વિગતો અનુસાર આજે સવારે દહેગામ તાલુકાના નાજીપુર ગામથી ગાંધીનગરમાં સરિસૃપો, પ્રાણીઓ અને પક્ષીઓના રેસ્કયુકાર્યની સેવા આપતી સંસ્થા પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટને ગામ વિસ્તારમાં અજગર (ઇડિયન રોક પાયથન) ફરતો હોવાથી તેને પકડવા કોલ આવ્યો હતો. આ કોલ મળતાં જ સંસ્થાના સ્વયંસેવકોએ દહેગામ વન વિભાગને જાણ કરી તેમના સ્ટાફને સાથે લઈને સ્થળ પર ધસી ગયા હતા. માનવ વસાહતમાં આવી ચઢેલા વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંઘર્ષ ન થાય તે હેતુથી પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અજગરને સહીસલામત રીતે પકડી દહેગામ રેન્જ તથા આંતરસૂબા રેન્જના સ્ટાફની હાજરીમાં માનવ વસાહતથી દુર નદીના કોતર વિસ્તારમાં મુક્ત કર્યો હતો. આ સાથે રેસ્ક્યુઅર્સ દ્વારા ગ્રામજનોને અજગર સહીત અન્ય સરિસૃપો અને વન્યપ્રાણીઓ વિશે પણ સાચી સમજ આપી તેમનું પ્રકૃતિના સંતુલન માટેનું મહત્વ સમજાવ્યું હતું. ગ્રામજનોએ રેસ્ક્યુઅર્સ યુવાનોની બાહોશી અને સેવાની પ્રસંશા કરી હતી.