એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ઝાટકે 70 ફ્લાઈટો રદ, યાત્રી અટવાયા
એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) ની 70થી વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. અચાનક આવું મોટું પગલું ભરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે?એક સિનિયર ક્રૂ મેમ્બરે આપેલી માહિતી અનુસાર મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સે અચાનક સીક લીવ લઇ લેતાં આવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે અનેક ફ્લાઈટો મોડી પડી છે તો અનેકને રદ કરવાની ફરજ પડી હતી. સિવિલ એવિયેશન ઓથોરિટીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
એરલાઈન્સે શું કહ્યું
આ મામલે એક નિવેદન જાહેર કરતાં એરલાઈન્સે કહ્યું કે કેબિન ક્રૂનો એક મોટો વર્ગ છેલ્લી ઘડીએ બીમાર પડી ગયો છે જેના લીધે ફ્લાઈટો મોડી પડી રહી છે. અમે કારણ સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી રહ્યા છીએ. જે મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમને ફુલ રિફંડ કરાશે કે પછી તેમને કોઈ અન્ય તારીખ પર તેમની યાત્રાને રીશિડ્યુલ કરવાની તક આપવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસએ તેના યાત્રીઓને સલાહ પણ આપી છે કે તેઓ એરપોર્ટ જતા પહેલા તેમની ફ્લાઈટ્સના સ્ટેટસ ચેક કરી લે.