રાષ્ટ્રીય

159 મતદાર ધરાવતા હિમાચલના બૈજનાથ ગામમાં, હેલિકોપ્ટરથી પહોંચાડાયા EVM 

હિમાચલના બૈજનાથમાં એક એવું ગામ છે જે રાજ્યનું સૌથી સુંદર ગામ છે જ્યાં પહોંચવામાં 3થી 4 દિવસ લાગે છે. બારા ભાંગલ નામના આ ગામમાં વોટિંગ માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે અને વોટિંગ મશીનોને હેલિકોપ્ટરથી મોકલવામાં આવી રહ્યાં છે. 

લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂરુ થઈ ચૂક્યુ છે અને બાકીના 3 તબક્કાનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલુ છે. ઉમેદવારથી લઈને સ્ટાર પ્રચારક અને નેતા વોટ માગવા માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. આ સૌની વચ્ચે હિમાચલ પ્રદેશનું એક ગામ એવું છે જ્યાં આજ સુધી કોઈ પણ નેતા વોટ માગવા માટે પહોંચ્યા નથી. આ ગામ હિમાચલ પ્રદેશના બૈજનાથમાં છે જેનું નામ બારા ભાંગલ છે.ગામના રહેવાસી લગભગ 159 વોટર્સ માટે હેલીકોપ્ટરથી ઈવીએમ મશીનો મોકલવામાં આવશે. બૈજનાથના અતિ દુર્ગમ વિસ્તાર ભાંગલમાં આજ સુધી કોઈ પણ નેતા ચૂંટણી પ્રચાર કે વોટ માંગવા આવ્યા નથી. તેનું કારણ અહીં સુધી પહોંચવાના અઘરા અને દુર્ગમ રસ્તા છે. બારા ભાંગલ ગામ સુધી પગપાળા પહોંચવામાં 3થી 4 દિવસનો સમય લાગે છે.

વર્ષ 2011માં બારા ભાંગલ પંચાયતમાં પહેલી વખત તત્કાલીન મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તત્કાલીન વૂલ ફેડરેશન અધ્યક્ષ ત્રિલોક કપૂર હેલિકોપ્ટરના માધ્યમથી પહોંચ્યા હતા અને લોકોને સંબોધિત કર્યા હતા. તે બાદ 2018માં પહેલી વખત તત્કાલીન બૈજનાથ ધારાસભ્ય મુલ્ખ રાજ પ્રેમીએ હેલિકોપ્ટરના માધ્યમથી બારા ભાંગલનો પ્રવાસ કર્યો. જોકે, અત્યાર સુધી કોઈ પણ નેતા વોટિંગના સમયે પ્રચાર કરવા પહોંચ્યા નહોતા.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની સૌથી દુર્ગમ પંચાયત બારા ભંગાલમાં વર્તમાનમાં રહેવાસી 159 મતદાતાઓને લોકસભા ચૂંટણીમાં મતદાનની સુવિધા પ્રદાન કરવા માટે જિલ્લા તંત્રએ પહેલા જ પોલિંગ પાર્ટી મોકલી દીધી છે. તંત્રએ ત્યાં ચૂંટણીની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.

આ ગામ શિયાળામાં રાજ્યના બાકી ભાગોથી કપાયેલું રહે છે, મોટાભાગના રહેવાસી ત્યાંથી બીજા ગામમાં જતા રહે છે. હિમાચલ પ્રદેશની 4 બેઠકો માટે એક જ તબક્કામાં વોટિંગ થવાનું છે, જે સાતમો એટલે કે અંતિમ તબક્કો છે. જે એક જૂને થવાનું છે, જેમાં કાંગડા, મંડી, હમીરપુર અને શિમલાની બેઠકો સામેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x