ગુજરાત સહિત ઉ.ભારતમાં ગરમીનો પ્રકોપ, રાજસ્થાનમાં પારો 46 ડિગ્રીને પાર
દેશમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે રાજસ્થાનના ગંગાનગરમાં પારો ૪૬ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો ૪૫ ડિગ્રીથી ઉપર રહ્યો હતો. બીજીબાજુ દિલ્હીમાં પણ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાતા રાજધાનીમાં આજનો દિવસ સિઝનનો સૌથી વધુ ગરમ રહ્યો હતો. આ સાથે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં હીટવેવની એલર્ટ જાહેર કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લામાં વિવિધ જગ્યાએ વીજળી પડવાથી ૧૧ લોકોનાં મોત થયા હતા. વધુમાં હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.
દેશમાં ઉનાળાની મોસમમાં રાજસ્થાનમાં તિવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગંગાનગર ઉપરાંત બારમેરમાં પણ તાપમાન ૪૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે જેસલમેરમાં ૪૫.૫ ડિગ્રી, ટોંક, પિલાની અને ઝાલોરમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય જોધપુર, સંગારિયા, ધોલપુર, કોટા અને જયપુરમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર રહ્યું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં પણ ગરમી વધી રહી છે. અહીં તાપમાન ૪૨ ડિગ્રીને પાર થઈ ગયું છે. આ સાથે દિલ્હીવાસીઓ માટે ગુરુવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. વધુમાં રાજધાનીમાં ટૂંક સમયમાં જ તાપમાન ૪૫ ડિગ્રીને વટાવી જશે. આ સાથે દિલ્હીવાસીઓને આ સિઝનમાં પહેલી વખત લૂનો અનુભવ થશે. હવામાન વિભાગ મુજબ આગામી ચાર-પાંચ દિવસ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત ઉત્તર ભારત અને બિહારમાં હીટવેવની સંભાવના છે.
દરમિયાન પશ્ચિમ બંગાળના માલ્દામાં વીજળી પડવાથી ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે. જિલ્લા વહીવટી તંત્રે મૃતકોના પ્રત્યેક પરિવારોને બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, વીજળી પડવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. મૃતકોમાં બે મહિલા અને બે સગીરોનો પણ સમાવેશ થાય છે.
હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં આગામી કેટલાક દિવસોમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે ત્યારે દક્ષિણ ભારતમાં ૨૨ મે સુધી વરસાદ ચાલુ રહેવાની ભવિષ્યવાણી કરી છે. આગામી સાત દિવસ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, લક્ષદ્વિપ અને દક્ષિણ કર્ણાટકમાં તોફાન, વીજળી અને તિવ્ર ગતિએ પવન ફુંકાવાની સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, પ્રદેશમાં તિવ્ર ગતિએ પશ્ચિમી અને દક્ષિણી પવન ફુંકાવાના કારણે અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કેરળના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જ્યારે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે.