1141 કરોડના કૌભાંડનો કૃષિ મંત્રીનો દાવો
રાજસ્થાનમાં કેબિનેટ મંત્રી કિરોડીલાલ મીણાએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખી વીવીઆઈપી વિસ્તાર ગાંધીનગરમાં બની રહેલા આવાસ પ્રોજેક્ટ સામે અવાજ ઉઠાવતા રાજ્યમાં છ મહિનામાં જ રાજ્ય સરકાર સામે રાજકીય સંકટ ઊભું થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મીણાના વિરોધના પગલે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને છ પાનાનો પત્ર લખીને કહ્યું છે કે જયપુરના વીવીઆઈપી વિસ્તાર ગાંધીનગરમાં સરકારી ક્વાર્ટર્સ તોડીને બહુમાળી ઈમારત બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટને મુખ્યમંત્રી, નાણામંત્રી કે કેબિનેટ કોઈએ મંજૂરી આપી નથી, આમ છતાં અધિકારીઓએ તેના પર કામ શરૂ કરી દીધું છે. પીપીપી મોડેલ પર શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ સરકારી આવાસ 10 દિવસમાં ખાલી કરવા નોટિસો પણ પાઠવી દેવાઈ છે.
કિરોડીલાલ મીણાએ ઓલ્ડ એમઆરસી કેમ્પસ અને ગાંધીનગરમાં સ્થિત રાજકીય કોલોનીના પુનર્વિકાસ યોજનાના નામે બની રહેલા આ પ્રોજેક્ટમાં રૂ.1146 કરોડની હેરાફેરી થવાની પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારમાં હાઈકોર્ટના ન્યાયાધીશો, આઈએએસ અધિકારીઓ સહિત વીવીઆઈપીના નિવાસ છે ત્યારે વીઆઈપી માર્ગની નજીક જ બહુમાળી ઈમારત બનાવાઈ રહી છે. વધુમાં આ વિસ્તારના માસ્ટર પ્લાનમાં ગાંધીનગરમાં 18થી 19 માળની ઈમારતો બનાવવાની કોઈજોગવાઈ નથી તેમજ અહીં કમર્શિયલ ઉપયોગની પણ મંજૂરી નથી છતાં આ યોજનાને આગળ વધારવામાં આવી રહી છે.