અત્યાર સુધીમાં સરેરાશ 23.66% મતદાન, પ. બંગાળમાં સૌથી વધુ
લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
ઉદ્ધવ ઠાકરેએ મત આપ્યા બાદ કહ્યું કે ‘આ વખતે લોકો જુમલેબાજીના વિરુદ્ધમાં છે. લોકો દેશને બચાવવા વોટ આપશે. મને આશા છે કે મતદાનની ટકાવારી વધશે. લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.’
ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન થયું છે. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.
રાજ્ય 11 વાગ્યા સુધીમાં મતદાન
બિહાર 21.11%
જમ્મુ અને કાશ્મીર 21.37%
ઝારખંડ 26.18%
લદ્દાખ 27.87%
મહારાષ્ટ્ર 15.93%
ઓડિશા 21.07%
ઉત્તર પ્રદેશ 27.76%
પશ્ચિમ બંગાળ 32.70%
આજે 5માં તબક્કાના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને તૃણમૂલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી, સતીશ ચંદ્ર મિશ્રાએ લખનઉમાં મતદાન કર્યું છે. રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલીમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે 543 લોકસભા બેઠકોના ચોથા તબક્કા સુધી 380 બેઠકો પર મતદાન થઈ ચૂંક્યું છે. આજની બેઠકો સહિત કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થશે.
આ ફિલ્મ સ્ટાર્સે કર્યું મતદાન
આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.