સાતમા તબક્કાનું મતદાન, 8 રાજ્યોની 57 બેઠકો પર વોટિંગ શરુ
લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આ ઉપરાંત ઓડિશાની બાકીની 42 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. તેની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ થયું છે. આજે અનુરાગ ઠાકુર, કંગના રણૌત, લાલુપુત્રી મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ પણ સીલ થશે. આજે 5.24 કરોડ પુરુષ અને 4.82 કરોડ મહિલા મતદારો સાથે કુલ 10.06 કરોડ લોકો મતદાન કરશે. દેશના કુલ 1.09 લાખ મતદાન મથકો પર મતદાન થશે.
વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે લડનારા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય, બીએસપીના એથર જમાલ લારી, યુગ થુલાસી પાર્ટીના કોલીસેટ્ટી શિવકુમાર, અપનાદળ (કમેરાવાડી)ના ગગનપ્રકાશ યાદવ, સ્વતંત્ર ઉમેદવાર દિનેશકુમાર યાદવ અને સંજય કુમાર તિવારી મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ચંદૌલી, મહારાજગંજ અને મિરઝાપુર ખાતે કેન્દ્રીય પ્રધાનો મહેન્દ્રનાથ પાંડે, પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે.