PM મોદી સહિત આ કેન્દ્રિય મંત્રીઓનું ભાવિ EVMમાં સીલ થશે
લોકસભા ચૂંટણીના છ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. ત્યારે આજે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. આ સાથે તમામ 543 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. આ તબક્કામાં 57 બેઠકો પર કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જે બેઠકો પર મતદાન થવાનું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ જેવા કેન્દ્રીય મંત્રીઓની બેઠકોનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક આ ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત અહીંથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બસપાએ અતહર જમાલ લારીને પોતાનો ચહેરો બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણી ભાજપ તરફથી લડી હતી. તેમની સામે કોંગ્રેસે અજય રાયને અને સપાએ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા અને અહીં વડાપ્રધાને સપાના શાલિની યાદવને 4,79,505 મતોના જંગી માર્જિનથી હરાવ્યા. નરેન્દ્ર મોદીને 6,74,664 વોટ મળ્યા હતા. સપાના ઉમેદવાર શાલિનીને 1,95,159 વોટ અને કોંગ્રેસના અજય રાયને 1,52,548 વોટ મળ્યા હત. ગત ચૂંટણીમાં વારાણસીમાં કુલ 57.13 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા બેઠક પણ ખાસ છે. અહીંથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પાંચમી વખત નસીબ અજમાવી રહ્યા છે. તેઓ હાલમાં મોદી સરકારમાં રમતગમત, યુવા બાબતો અને માહિતી અને પ્રસારણ મંત્રી છે. અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલના પુત્ર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે તેમની સામે પૂર્વ ધારાસભ્ય સતપાલ રાયજાદાને મેદાનમાં ઉતાર્યા છે. સાથે જ બસપાએ હેમરાજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019માં ભાજપના અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પર સફળ રહ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં 72.83 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ચંદૌલી બેઠક પણ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી ડો. મહેન્દ્રનાથ પાંડેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ હાલમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી છે. વીરેન્દ્ર સિંહ સપામાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય બીએસપીએ સત્યેન્દ્ર કુમાર મૌર્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2019માં ભાજપના મહેન્દ્રનાથ પાંડેએ ચંદૌલી બેઠક પરથી જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં અહીં 61.83 ટકા મતદાન નોંધાયું હતું.
સાતમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રીઓમાં પંકજ ચૌધરી પણ સામેલ છે. પંકજ ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી ભાજપના લોકસભા ઉમેદવાર છે. ચૌધરી મોદી સરકારમાં નાણા રાજ્યમંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. કોંગ્રેસે વીરેન્દ્ર ચૌધરીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને બસપાએ મોહમ્મદ મૌસમ આલમને ઉમેદવાર બનાવ્યા છે. 2019માં મહારાજગંજ બેઠક પર ભાજપના પંકજ ચૌધરી સફળ રહ્યા હતા. છેલ્લી ચૂંટણીમાં અહીં 64.07 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.