Uncategorizedરાષ્ટ્રીય

NDAના ‘આગમન’ના એંધાણની અસર : શેરબજાર ઐતિહાસિક ટોચે

મુંબઈ : ભારતીય શેર બજારોના ઈતિહાસમાં ચૂંટણીના પરિણામ  પૂર્વે એક્ઝિટ પોલના તમામ અનુમાનો ભાજપ-એનડીએના જવલંત વિજયના આવતાં અને હવે અબ કી બાર ૪૦૦ પારની પણ શકયતા મૂકાવા લાગતાં આજે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી મોટો ઐતિહાસિક ઉછાળો નોંધાયો હતો. આજે સેન્સેક્સમાં ૨૫૦૭ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૭૩૩ પોઇન્ટનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.  બજારમાં નોંધાયેલા ઐતિહાસિક ઉછાળાના પગલે ભારતીય શેર બજારોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બજારના એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ પાંચ લાખ કરોડ ડોલરનો નવો રેકોર્ડ સર્જાયો હતો. બીએસઈ-બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ.૧૩.૭૯  લાખ કરોડ વધીને રૂ.૪૨૫.૯૧ લાખ કરોડ એટલે કે ૫.૧૨ લાખ કરોડ ડોલરની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું હતું.

ફિર સે મોદી સરકારની હેટ્રિકના એક્ઝિટ પોલના અનુમાન સાથે ચોમાસું સામાન્ય કરતાં પણ સારૂ રહેવાની આગાહી, માર્ચ ૨૦૨૪ના અંતના ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ૭ ટકાના અંદાજથી પણ વધુ ૭.૮ ટકા આવતાં આજે એક્ઝિટ પોલના અંદાજો અને મે ૨૦૨૪ મહિનામાં જીએસટી આવક એક્ત્રિકરણ પણ વધીને આવ્યા સાથે નાણા વર્ષ ૨૦૨૪ના પ્રોવિઝનસ જીડીપી વૃદ્વિના આંક પણ સરકારના અગાઉના ૭.૬ ટકાના અંદાજોથી વધીને ૮.૨ ટકા આવતાં પોઝિટીવ અસર આજે બજારમાં જોવાઈ હતી. ઉપરોક્ત અહેવાલો પાછળ આજે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૨૭૭૭.૫૮ પોઈન્ટના વિક્રમી ઉછાળે ૭૬૭૩૮.૮૯ નવી રેકોર્ડ ઊંચાઈ બનાવી હતી. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સે ઈન્ટ્રા-ડે ૮૦૮ પોઈન્ટના રેકોર્ડ ઉછાળે ૨૩૩૩૮.૭૦ નવો ઈતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ અને નિફટીમાં જાન્યુઆરી ૨૦૨૧ બાદનો આજે સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૭૬૭૩૮.૭૯ નવો વિક્રમ બનાવી અંતે ૨૫૦૭.૪૭ પોઈન્ટ ઉછળીને ૭૬૪૬૮.૭૮ અને નિફટી ૫૦ સ્પોટ ૨૩૩૩૮.૭૦ નવા શિખરે પહોંચી અંતે ૭૩૩.૨૦ પોઈન્ટ વધીને ૨૩૨૬૩.૯૦ બંધ રહ્યા હતા.

શેરોમાં આજે ઓલ રાઉન્ડ ભભૂકતી તેજીના પરિણામે એફએમસીજી, આઈટી સિવાયના તમામ સેકટરલ ઈન્ડેક્સ નવી ઐતિહાસિક ઊંચાઈના વિક્રમ બનાવ્યા હતા. મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવાઈ હતી. બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૪૪૫૬૦.૯૭ નવો વિક્રમ બનાવી અંતે ૧૫૧૪.૯૮ પોઈન્ટ ઉછળીને ૪૪૩૬૭.૬૭ અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪૮૯૭૩.૯૬ નવો ઈતિહાસ રચી અંતે ૯૬૮.૬૪ પોઈન્ટ ઉછળીને ૪૮૨૩૨.૩૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૫૫૦.૧૧ નવો રેકોર્ડ બનાવી અંતે ૩૬૬૬.૭૦ પોઈન્ટ ઉછળીને ૭૩૭૨૨.૨૭, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૮૪૬૭.૦૭ નવી ટોચ બનાવી અંતે ૨૫૧૮.૭૫ પોઈન્ટ ઉછળીને ૫૮૨૯૦.૪૭, બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૦૮૨૬.૯૩ નવી ટોચ બનાવી અંતે ૨૧૨૫.૫૭ પોઈન્ટ વધીને ૩૦૭૬૫.૪૪ રહ્યા હતા. જ્યારે બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૪૦૧૭.૪૫ નવી ટોચ બનાવી અંતે ૧૦૨૮.૧૨ પોઈન્ટ વધીને ૩૩૭૪૧.૩૬, બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૪૭૫૧.૨૪ નવો ઈતિહાસ રચી અંતે ૧૩૮૪.૪૧ પોઈન્ટ વધીને ૫૪૪૧૦.૫૮ રહ્યા હતા.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) જે હમણાં સુધી ભારતીય શેરોમાં સતત વેચવાલ રહ્યા હતા, એમની શુક્રવારે રૂ.૧૬૫૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી બાદ આજે રૂ.૬૮૫૧ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. આ સાથે સ્થાનિ સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદદાર રહી આજે રૂ.૧૯૨૦ કરોડની શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x