Uncategorizedરાષ્ટ્રીય

છત્તીસગઢમાં સતનામી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ, કલેક્ટર ઓફિસને આગ લગાવી

રાયપુર : છત્તીસગઢના બલૌદા બાજાર જિલ્લામાં સતનામી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ જિલ્લા મથકે આવેલી કલેક્ટર બિલ્ડિંગને જ આગ લગાવી દીધી હતી. આગમાં કલેક્ટર ઓફિસના અનેક વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઉપરાંત જિલ્લા કચેરી, એસપી ઓફિસને પણ આગ લગાવી હોવાના અહેવાલો છે.

સતનામી સમાજના લોકો સરકારી ઓફિસોનો ઘેરાવ કરવા માટે નિકળ્યા હતા, જોકે વિરોધ હિંસામાં ફેરવાઇ ગયો હતો. પ્રદર્શનકારીઓએ કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત ભવન અને તાલુકા ઓફિસને આગ લગાવી દીધી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તે સમયે બન્ને વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થઇ ગયા હતા.

જૈતખામમાં મહકોની મંદિર પરિસરમાં ૧૫-૧૬ મેના રોજ ભારે તોડફોડ થઇ હતી, પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છતા આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ના થઇ હોવાથી સતનામી સમાજના લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન બદૌલા બાજારમાં એસપી, કલેક્ટર અને જિલ્લા કચેરીઓનો ઘેરાવ કર્યો હતો. વિરોધ એટલો ઉગ્ર બની ગયો હતો કે વિરોધ કરનારાઓ હિંસા પર ઉતરી આવ્યા હતા અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દીધી હતી, જે દરમિયાન અનેક વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને સતનામી સમાજના ધાર્મિક સ્થળ પર હુમલો કરનારાઓ સામે આકરા પગલા લેવાની ખાતરી આપી છે. 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x