પ.બંગાળમાં ટ્રેન દુર્ઘટના, માલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની ટક્કર, 5 મુસાફરોના મોત
પશ્ચિમ બંગાળના આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે ટક્કર થતાં કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને હાલ બચાવ કાર્ય ચાલુ છે. આ દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આ અકસ્માત સવારે 9.30 વાગ્યે થયો હતો. ટ્રેન નંબર 13174 કંચનજંગા એક્સપ્રેસની માલગાડી સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે કંચનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા છે. જ્યારે ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મુસાફરોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ટ્રેન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે, NFR ઝોનમાં ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRFની ટીમો સાથે મળીને કામ કરી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.