જૈન સમાજના આક્રોશ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- મૂર્તિઓ જ્યાં હતી ત્યાં જ પુનઃસ્થાપિત કરાશે
પાવાગઢ પર્વત પર જૂની સીડીને તોડતી વખતે ત્યાં કેટલીક જૈન તીર્થકરોની મૂર્તિઓને હટાવવામાં આવી હતી. જૈન તિર્થકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. તીર્થ સ્થળ પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવાનો વિરોધ ગુજરાતભરના જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે જૈન સમાજના આક્રોશ સામે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડવા બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આર્ડર આપ્યા છે. આ સમગ્ર મામલે સરકારે તપાસ અને નોંધ લીધા બાદ પંચમહાલ કલેક્ટરને જૈન તીર્થકરોની ખંડિત મૂર્તિઓ અંગે એક્શન લેવાના ઓર્ડર આપ્યા છે. જોકે સંઘવીની ખાતરી બાદ પણ જૈન મુનિઓ ધરણા સમેટવા તૈયાર નથી. જૈન મુનિએ કહ્યું કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહી. મૂર્તિ સ્થાપિત નહીં થાય ત્યા સુધી અમે હટીશું નહીં.
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મૂર્તિઓનું ફરીથી સ્થાપિત કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને સૂચના આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે મૂર્તિઓ ઐતિહાસિક હતી અને વર્ષોથી ત્યાં સ્થાપિત હતી તેણે હટાવવાની પરવાનગી હોઈ જ ન શકે. જે મૂર્તિઓ પગથિયા પાસે હતી ત્યાં તેને ફરીથી સ્થાપિત કરવામાં આવે. સમાજના હજારો લોકોની આસ્થાને ક્યાંકને ક્યાંક જે ઠેસ પહોંચી છે ત્યાં કલેક્ટર, એસપી, જૈન સમાજ અને અન્ય ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવાની સુચના આપવામાં આવી છે.
પાવાગઢ પર્વત પર જૂની સીડીને તોડતી વખતે ત્યાં કેટલીક જૈન તીર્થકરોની મૂર્તિઓને હટાવવામાં આવી હતી. જૈન તિર્થકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સુરતના જૈન સમાજે કલેક્ટર કચેરી ખાતે ધરણાં શરુ કરી દીધા હતા. ગઈકાલે મોડી રાત બાદથી સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકઠાં થયા હતા અને આ સમગ્ર મામલે ઉગ્ર આંદોલનની શરુઆત કરી હતી. ત્યારે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.
મોટી સંખ્યામાં જૈન સમાજનો વિરોધ
જૈન સાધુઓ જણાવે છે કે, વર્ષોથી આ મૂર્તિઓ ત્યાં જ હતી અને અમારી લાગણી તેની સાથે જોડાયેલી છે. ત્યારે આ મૂર્તિ ખંડિત કરવામાં આવતા અમને ઊંડો આઘાત લાગ્યો છે. જૈન સાધુઓએ વધુમાં કહ્યું કે, અમે હવે માગણી કરી રહ્યાં છીએ કે મૂર્તિ ખંડિત કરનાર સામે યોગ્ય કાર્યવાહી થાય અને તાત્કાલિક તે તમામ મૂર્તિઓને ફરીથી પુનઃ સ્થાપિત કરવામાં આવે. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લેતા મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા કલેક્ટરને સૂચના આપી છે.