ઈઝરાયલે ગાઝામાં યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું, UNHRCની તપાસમાં કરાયો મોટો દાવો
ઘણા સમયથી વૈશ્વિક કક્ષાએ તણાવો વધ્યા છે. રશિયા અને યુક્રેન ફેબ્રુઆરી, 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હવે મળતી માહિતી પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું કહેવું છે કે, ઇઝરાયેલી સેનાએ ગાઝામાં વારંવાર યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે સાવચેતી રાખી નથી. ઓપરેશન દરમિયાન સેના લડવૈયાઓ અને નાગરિકો વચ્ચે અંતર કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે ગાઝામાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને નિર્દોષ પુરુષો માર્યા ગયા હતા. ઇઝરાયલે માનવ અધિકાર પરિષદના અહેવાલને નકારી કાઢ્યો છે અને તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. આ દરમિયાન, ગાઝામાં ઈઝરાયેલના સતત હુમલામાં અત્યાર સુધીમાં 37,400થી વધુ લોકો માર્યા ગયા છે.
યુએનની તપાસ ટીમે ગાઝામાં ઈઝરાયેલી દળો દ્વારા થયેલા છ હુમલાઓની તપાસ કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે નાગરિક રહેણાંક પર હુમલો કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ હુમલામાં સુવ્યવસ્થિત રીતે અને પ્લાન બનાવીને કરવામાં આવ્યા હતા જેમાં કોઈ પણ પ્રકારની સાવચેતી રાખવામાં આવી ન હતી.
યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના વડા વોકર તુર્કે જણાવ્યું હતું કે, ઇઝરાયલી બોમ્બ ધડાકાએ યુદ્ધના નિયમોનું પાલન કરવું જોઇએ અને નાગરિકોની જાનહાનિ ઘટાડવાના પગલાં લેવા જોઇએ.
ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા ઘણી વધારે
જીનીવામાં માનવ અધિકાર પરિષદના નિષ્ણાતોની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, હમાસ અને ઇઝરાયેલની સેના બંને યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે. પરંતુ આમાં ઈઝરાયેલનો દોષ ગંભીર છે, કારણ કે તેણે માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે. ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા ઘણી વધારે છે. ત્યાંના નાગરિકના રહેણાંક અને સુવિધાઓનો વિનાશ સૂચવે છે કે પેલેસ્ટિનિયનોને મહત્તમ નુકસાન પહોંચાડવાના હેતુથી હુમલા કરવામાં આવ્યા હતા.