માનસિક અસ્થિરતા ધરાવતા મહિલાની વહારે આવતું ગાંધીનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર
મહિલાઓની સુરક્ષા, સુખાકારી, અને સુવિધાને ધ્યાને રાખતા “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે.ગત તા.૧૨મી જૂને “સખી” વનસ્ટોપસેન્ટર ગાંધીનગરમાં ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન દ્રારા માનસિક અસ્થિર બહેનને મુક્વામાં આવ્યા હતા.
“સખી”વનસ્ટોપ સેન્ટરમાં બહેનને લાવ્યા બાદ સેન્ટરની બહેનો દ્વારા તેમની સારસંભાળ રાખી અને મહિલા સ્વસ્થ થતા મહિલાનો વિશ્વાસ કેળવી તેમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલકે આ બહેન વડોદરાના વતની છે અને તેઓ માનસિક અસ્થિર છે. બહેન સાથેની વાતચિત દરમિયાન જણાવેલકે તેઓના પહેલા પતિ અત્યારે હયાત નથી. હાલ બીજા લગ્ન બાદ તેમને બે દીકરી અને એક દીકરો છે. ઘરમાં તેઓને હવે કોઈ રાખતું નથી એટલે તેઓ એક ખેતરમાં રસોઈનું કામ કરતાં હતા. બહેનના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારની શોધખોળ માટે ત્યાંનાં નજીકના પોલિસ સ્ટેશનમાં “સખી” સેન્ટરના કર્મચારી દ્વારા સંપર્ક કરી તપાસ કરાવતા બે દિવસમાં તેમના પરિવારની ભાળ મળી હતી. આ પછી તેમના પરિવાર સાથે ટેલિફોનિક કાઉન્સેલિંગ કર્યા બાદ તેમના પરિવારના સભ્યોને “સખી” વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. મહિલાનો પરિવાર આવતા તેઓની સાથે કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, મહિલા ૧૭ વર્ષથી માનસિક બીમાર છે. તમામ હકિકતો જાણ્યા બાદ તેની પુષ્ટી કરવા મહિલાની સારવાર ચાલુ હોવાના પુરાવાની તપાસ કરી હતી. આ દરમિયાન હકિકત સામે આવી હતી કે, બહેનને હોસ્પીટલમાં દાખલ કરવાની જાણ થઈ જતા તેઓ કોઇને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. પરિવારના સભ્યો છેલ્લા ૧ મહિનાથી તેમની શોધ ખોળ કરી રહયા હતા. આખરે આ મહિલાની ભાળ મળતા તેઓને પરિવારજનો સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગરમાં લેવા આવ્યા હતા. તેમની પૂર્વહકીકત જાણ્યાબાદ, તેમના પરિવારના સભ્યો પાસેથી જરૂરી આધાર, પુરાવા લઇ તેઓનુ કાઉન્સેલિંગ કરી જરુરી લખાણ અને દસ્તાવેજ લઇને સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર દ્વારા મહિલાનુ તેમના પરિવાર સાથે સુખદ પુન: મિલન કરાવાયું હતુ.