ભાજપની મજાક બની, રાહુલ ગાંધીએ સંસદમાં કહેલી વાતો સામે FIRનો કોઈ ફાયદો નથી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સમગ્ર હિંદુ સમાજને હિંસક ગણાવ્યા હોવાનો દાવો કરીને ભાજપ વિરોધ કરી રહ્યો છે. ભાજપે આ મુદ્દે રાહુલ ગાંધી સામે ગુજરાતભરનાં પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવવાનો જૂનો દાવ પણ રમીને અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવા અરજીઓ અપાવી છે. ભાજપના કાર્યકરોના બંધારણીય જોગવાઈઓ અંગેના આ ઘોર અજ્ઞાનની મજાક ઉડી રહી છે. ભાજપના કાર્યકરોને બંધારણની જોગવાઈઓની પણ ગતાગમ નથી એવી કોમેન્ટ કાનૂની નિષ્ણાતો કરી રહ્યા છે.બંધારણીય જોગવાઈ પ્રમાણે કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય સંસદમાં કે વિધાનસભાની અંદર નિવેદન કરે કે કશું પણ બોલે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. બંધારણે સાંસદો તથા ધારાસભ્યોને સંસદ કે ધારાસભામાં કરાતાં નિવેદનો તેમજ ભાષણો ઉપરાંત મતદાન માટે પણ કાનૂની કાર્યવાહી કરવા સામે સુરક્ષા કવચ આપ્યું છે.
બંધારણની કલમ 194 (2)ની સ્પષ્ટ જોગવાઈ છે કે, સંસદમાં કે વિધાનસભામાં કે તેની સમિતીમાં કોઈ પણ ધારાસભ્ય કે સંસદસભ્ય ગમે તે બોલે કે ગમે તે મત આપે તો! છે પણ તેમની સામે કોઈ પણ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી શકાશે નહીં. આ ઉપરાંત ધારાસભ્ય કે સાંસદના આ નિવેદન કે મતની વિગતો છાપે તો પણ તેની સામે કાર્યવાહી કરી શકાશે નહીં.
બંધારણની કલમ 194 (2) સંસદમાં કે વિધાનસભામાં કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈના વિશે બદનક્ષીકારક નિવેદન કરે કે પછી કોઈની લાગણી દૂભાતું નિવેદન આપે તો પણ સાંસદ કે ધારાસભ્ય સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની મંજૂરી નથી આપતી.
આ બંધારણીય જોગવાઈઓથી અજાણ ભાજપે રાહુલ ગાંધી સામે પગલાં લેવા અને એફઆઈઆર નોંધવા માટેની માગણી સાથેની ત્રણ અરજી કરાવી દીધી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બ્રિદેશ મથાસોલિયા નામના ભાજપના કાર્યકરે અરજી કરી છે જ્યારે સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચના સભ્ય હોવાનો દાવો કરતા ધર્મેન્દ્ર ગામીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ભાજપ આઈટી સેલના સભ્ય હોવાનો દાવો કરતા રણછોડભાઈ પટેલ નામની વ્યક્તિએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી તેમણે દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીએ સમગ્ર હિંદુ સમાજને હિંસક ગણાવીને હિંદુ વિરોધી માનસિકતા છતી કરી અને 120 કરોડ હિંદુઓની લાગણી દૂભાવી છે તેથી તેમની સામે આકરાં પગલાં લેવાં જોઈએ.