BMW હિટ એન્ડ રન કેસમાં આખરે શિવસેનાના નેતાના પુત્રની ધરપકડ
મુંબઈના વર્લીમાં હિટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. પોલીસે મિહિર શાહની માતા અને બહેનની પણ અટકાયત કરી છે. સાતમી જુલાઈએ BMW કારની ટક્કર વાગતા સ્કૂટી પર જઈ રહેલા દંપતીમાંથી મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન કારની ડ્રાઈવિંગ કરી રહેલો મિહિર શાહ અકસ્માત સર્જી ભાગી ગયો હતો.ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈએ મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં સ્કૂટી લઈને જતાં એક દંપતીનું BMW કાર ચાલકે ટક્કર લગાવતાં દંપતીમાંથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કાર ચાલક ભાગી ગયો હોવાથી સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસમાં સામે આવ્યું હતું કે, BMW લઈને આવેલો યુવક શિવસેના પાર્ટીના નેતાનો પુત્ર હતો. જોકે, પોલીસે અકસ્માતને અંજામ આપનાર યુવકના પિતા અને શિવસેના પાર્ટીના પાલઘર જિલ્લાના નેતા રાજેશ શાહના નામથી કાર રજીસ્ટર હોવાથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.
મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા એક મોલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં માછીમારનો ધંધો કરતા દંપની પ્રદીપ નખવા અને કાવેરી નખવા પોતાની સ્કૂટી લઈને માછલી ખરીદવા માટે ગયા હતાં. આ દરમિયાન ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે BMW કારે પાછળથી આવીને તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, મહિલાના પતિને ઈજા થઈ હતી.તે સમયે પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂટી લઈને જઈ રહેલા પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનાર કાર ચાલક મિહિર શાહ દંપતીની સ્કૂટીને ટક્કર મારી ભાગી ગયો હતો. મિહિરની બાજુ વાળી સીટ પર ડ્રાઈવર બેઠો હતો. કારની નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. આ ઘટનાને અંજામ આપનાર મિહિરના પિતા પાલઘર જિલ્લાના એકનાથ શિંદેની નેતૃત્વ વાળી શિવસેના પાર્ટીના નેતા છે. BMW કાર પિતા રાજેશ શાહના નામે રજિસ્ટર્ડ હોવાથી પોલીસે કારમાલિકને કસ્ટડીમાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી.