વડોદરામાં દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે આયોજિત દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને આત્મજ્ઞાની શ્રી દીપકભાઇએ ભારત સરકારના ડાક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી દાદા ભગવાનની સ્મરણિકા ટપાલ ટિકિટનું વિમોચન પણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મનનીય પ્રવચનમાં જણાવ્યું કે, દરેક સંપ્રદાય એક જ અંતિમ સત્યની વાત કરે છે તે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન મેળવવાના અનેક માર્ગ છે. અન્ય સંપ્રદાય તબક્કાવાર જ્ઞાન પર ભાર મૂકે છે પરંતુ પૂ. દાદા ભગવાને આપેલ જ્ઞાન કર્મ કે તબક્કા વગર સીધુ જ આત્મજ્ઞાન પહોંચાડે છે. પૂ. દાદા ભગવાનના વાણી અને વ્યવહાર થકી આજની પેઢીઓ સમસ્યાઓ, પ્રદૂષણ અને પડકાર સાથે કેવી રીતે જીવવું તે પ્રાપ્ત થઈ રહ્યું છે.
દાદા ભગવાનની જીવનવીથિકાનો ટૂંકો પરિચય આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તેમને સુરતના રેલ્વે સ્ટેશનમાં આત્મજ્ઞાની પ્રાપ્તી થઇ હતી અને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ અક્રમ વિજ્ઞાન થકી દેશવિદેશમાં અનેક લોકો કર્મમુક્ત જીવન જીવવાનો માર્ગ અપનાવી મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે. સાધુ, સાદુ અને સરળ જીવન થકી મુક્તિનો માર્ગ દાદા ભગવાને પ્રશસ્ત કર્યો છે.
પૂજ્ય દાદા ભગવાનની કર્મભૂમિ અને જેમના જીવવાનો અંતિમ સમય પણ વડોદરામાં વિતાવ્યો છે. વડોદરાની મામાની પોળ દાદા ભગવાનના ઋણાનુબંધની ભૂમિ છે. તેમના વારસા અને જ્ઞાન પ્રકાશ થકી આજે વડોદરાના નવલખી મેદાનમાં જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી ઓર વિરાસત ભીના સંકલ્પ સૂત્ર હેઠળ પૂજ્ય શ્રી દાદા ભગવાનના છબીવાળા પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું છે. પૂ. દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણી અને આજે જ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન થવાથી સોનામાં સુગંધ ભળી છે.
ઉપસ્થિત સર્વ જ્ઞાન મુમુક્ષોને જ્ઞાન વિધિનો અચૂક લાભ લેવા માટે નમ્ર અપીલ કરતા જણાવ્યું કે જ્ઞાન વિધિ પ્રાપ્ત થયાં બાદ બીજામાં દોષ જોવા કરતાં પોતાના દોષ શોધીને પોતાનામાં સુધારો લાવવાની પદ્ધતિ જીવનમાં કેળવાશે.
આ સાથે ‘મારો જ્ઞાન દિવસ છે‘ તેમ કહીને તેમના મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ઉપસ્થિત સૌ મહાત્માઓને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી દીપક ભાઈ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સંચાર મંત્રાલયના પ્રતિનિધિ તથા વડોદરા પોસ્ટલ માસ્ટર જનરલ શ્રી દિનેશ શર્માના હસ્તે પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો આરતી ઉતારી આશકા લીધી હતી. બાદમાં પ્રસ્તુત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નીહાળ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદશ્રી ડૉ. હેમાંગ જોષી, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુકલ, ભાજપ શહેર અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી યોગેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહ, જનપ્રતિનિધિઓ, હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ અને દર્શનાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો