ભારતની પાકિસ્તાન પર શાનદાર જીત: અમદાવાદ અને ગાંધીનગરમાં દિવાળી જેવો માહોલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને વિજયી કૂચ જારી રાખી છે. બાંગ્લાદેશ સામેની જીત બાદ ભારતે પાકિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બેટિંગનો જાદુ વિખેર્યો અને વિજયી ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી, જેના કારણે દર્શકોમાં ઉત્સાહનો પાર ન રહ્યો. સુરત, અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ક્રિકેટપ્રેમીઓએ દિવાળી જેવો માહોલ સર્જીને આ વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. રવિવારે રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને સરળતાથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશા મજબૂત કરી છે. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ સમગ્ર દેશમાં ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. વિરાટ કોહલીએ છેલ્લો ચોગ્ગો ફટકારતા જ ક્રિકેટપ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદના સિંધુ ભવન રોડ, ઘાટલોડિયા, એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી હતી.