SSCના પરીક્ષા કેન્દ્ર પર ગાંધીનગર જિલ્લા કલેકટરે લીધી ઓચિંતી મુલાકાત
હંમેશા લોકહિત અને સુખાકારીની ભાવના અને ચિંતા સાથે સતત કાર્યશીલ એવા ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વિદ્યાર્થીઓની ચિંતા કરી તેમનું મનોબળ તૂટે નહીં અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના એસ.એસ.સી પરીક્ષા કેન્દ્ર ખાતે તા ૦૧ માર્ચના રોજ ગણિત વિષયની પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને અને ચિંતા મુક્ત બની પરીક્ષા આપે તે માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો.બી.એન પ્રજાપતિ સાથે મળી પરીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ આ મુલાકાત દરમિયાન પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓની મુલાકાત લઇ તેમના ઉત્સાહને વધાર્યો હતો. સાથે સાથે શાળાના આચાર્ય શ્રી અર્પિત ક્રિશ્ચન તથા સ્ટાફ શિક્ષક મિત્રો ના ઉત્સાહ અને કાર્ય નિષ્ઠાને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગે ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એક ડર સતાવતો હોય છે ત્યારે આવા મહાનુભાવો દ્વારા મળતી હિંમત થકી તેઓ નિશ્ચિંત પણે પરીક્ષા આપતા હોય છે. કોઈ પણ મહાનુભાવની એક મુલાકાત ઘણી બધી અસર કરતી હોય છે. ત્યારે કલેક્ટરશ્રી દ્વારા લેવાયેલી મુલાકાત અને હળવી વાતચીત ના કારણે ગણિતના પેપરના દિવસે ઘણા બાળકોને ખૂબ જ હિંમત મળી છે.વધુમાં આ મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રીએ શાળાની ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતા તથા સૌહાર્દપૂર્ણવાતાવરણને બિરદાવી સમસ્ત પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવા સાથે શાળા પરિવારને પણ શુભકામનાઓ પાઠવી હતી.