કેદારનાથ યાત્રા થશે વધુ સુગમ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યો રોપવે પ્રોજેક્ટ
કેદારનાથની દુર્ગમ યાત્રાને સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી યાત્રાળુઓને ભારે રાહત મળશે અને યાત્રાનો સમય પણ ઘટશે.ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિલોમીટર લાંબો રોપવે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 4081 કરોડ રૂપિયા છે. રોપવે બન્યા બાદ હાલમાં 8-9 કલાક લાગતી યાત્રા માત્ર 36 મિનિટમાં પૂરી થશે. રોપવેમાં એક સાથે 36 લોકો મુસાફરી કરી શકશે.
આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમની પર્વતમાલા પરિયોજના હેઠળ બનાવવામાં આવશે. રોપવેનું નિર્માણ જાહેર-ખાનગી ભાગીદારીથી થશે અને તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે. રોપવેની ડિઝાઇન ક્ષમતા પ્રતિ કલાક પ્રતિ દિશામાં 1800 મુસાફરોની રહેશે. આ રોપવે દ્વારા દરરોજ 18,000 યાત્રાળુઓ કેદારનાથની મુલાકાત લઈ શકશે.આ પ્રોજેક્ટથી માત્ર યાત્રાળુઓને જ ફાયદો નહીં થાય પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે. રોપવે બનવાથી પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને મહેમાનગતિ, ભોજન અને પાણી જેવી સેવાઓને પણ પ્રોત્સાહન મળશે.