જંબુસર ધારાસભ્ય ડી. કે. સ્વામીએ મૃતકોના પરિવારોને સહાય ચેક આપ્યા
જંબુસર તાલુકામાં આકસ્મિક મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસર મામલતદાર કચેરી ખાતે 150 વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે આ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ધારાસભ્ય ડી. કે. સ્વામીના પ્રયત્નોથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર થયેલી આ સહાય અંતર્ગત જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા આઠ વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડચ ખાતે વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલા કાજલબેનના પરિવારજનોને, કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને અને જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયના ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બળવંતસિંહ પઢીયાર, ભોલાભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ, મનનભાઈ પટેલ, શૈલેષભાઈ કા. પટેલ, બાલુભાઈ, પ્રણવભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ અને મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.