અમદાવાદમાં હેલ્મેટ ન પહેરવા બદલ એક યુવકને ફટકાર્યો 10.50 લાખનો દંડ
અમદાવાદના વસ્ત્રાલમાં એક યુવકને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે. આ યુવકને હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ 10.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના સરખેજ શાંતિપુરા સર્કલ પાસે બની હતી.
વકીલાતનો અભ્યાસ કરતા આ યુવકને ગયા વર્ષે જુલાઈમાં આ મેમો મળ્યો હતો. તે સમયે યુવક પોતાની એક્ટિવા પર નજીકની પાનની દુકાન પર પાન મસાલા લેવા જઈ રહ્યો હતો અને તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. ટ્રાફિક પોલીસે તેને રોકીને મેમો ફટકાર્યો હતો.
આ મેમો મળ્યા બાદ યુવક અને તેના પરિવારજનોને આશ્ચર્ય થયું હતું. તેમને વિશ્વાસ નહોતો આવતો કે માત્ર હેલ્મેટ ન પહેરવા બદલ આટલો મોટો દંડ થઈ શકે છે. ઓઢવ પોલીસે યુવકને કોર્ટમાં હાજર થવાનું કહેતા પરિવારજનોએ કોર્ટ અને કચેરીના અનેક ધક્કા ખાધા હતા.
પરિવારજનોએ આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી. યુવકના પિતાએ જણાવ્યું કે આ મેમો ભૂલથી આવ્યો છે અને આટલો મોટો દંડ ભરવો તેમના માટે શક્ય નથી. તેમણે પોલીસ કમિશનરને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.