ગાંધીનગરમાં બનશે 100 બેડની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલ
ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શહેરના સિવિલ હોસ્પિટલ પરિસરમાં ટૂંક સમયમાં જ 100 બેડની અત્યાધુનિક યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ કાર્યરત થશે. ચાર માળની આ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓ માટે આઈસીયુ, વિશેષ રૂમ અને બે અદ્યતન ઓપરેશન થિયેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ નવી હોસ્પિટલ શરૂ થવાથી ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના હૃદયરોગના દર્દીઓને અમદાવાદ સુધીની લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં રહે. હાલમાં અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલને અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને આગામી એકથી દોઢ મહિનામાં તેનું ઉદ્ઘાટન થવાની સંભાવના છે. આ હોસ્પિટલ શરૂ થવાથી પ્રદેશના લોકોને ઉચ્ચ ગુણવત્તાની હૃદયરોગની સારવાર તેમના જ શહેરમાં મળી રહેશે.