સોમનાથ દબાણ મામલો: ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40 સામે ફરિયાદ
સોમનાથ રેલવે સ્ટેશન સામે આવેલી સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી ભારે વિરોધ અને હોબાળામાં પરિણમી હતી. અનેક ઝૂંપડા અને અન્ય બાંધકામો તોડી પાડવાની ભીતિથી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સોમનાથ-વેરાવળ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.
વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. આ દરમિયાન, પોલીસે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 14 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી હતી. ગુડલક સર્કલ નજીક દબાણ હટાવવાની કામગીરીનો મહિલાઓ અને શ્રમજીવી પરિવારોએ સખત વિરોધ નોંધાવ્યો હતો.
આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 30થી વધુ લોકો સામે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર આરોપો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘર્ષણ દરમિયાન એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અટકાયત કરાયેલા લોકોમાં નામજોગ અને અજાણ્યા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.