વિકાસ સહાય પછી કોણ બનશે ગુજરાતના DGP?
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય જૂન મહિનામાં વયનિવૃા થવાના છે,ત્યારે પોલીસ વિભાગમાં એવી ચર્ચા છે કે તેમને એક્સટેન્શન મળવાના ચાન્સ ઓછા છે. તેમના પછી સિનિયોરિટી પ્રમાણે આવતા 1991ની બેચના શમશેરસિંઘ ગુજરાતના નવા પોલીસ વડા બની શકે તેમ હતા, કારણ કે તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થાય છે, પરંતુ તેમને ડેપ્યુટેશન પર દિલ્હી લઈ જવામાં આવ્યા છે. બીજા સિનિયર આઇપીએસ અધિકારી મનોજ અગ્રવાલ છે, પરંતુ તેઓ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત્ત થવાના છે. આ સંજોગોમાં ડો. કે લક્ષ્મી નારાયણ રાવ અને જ્ઞાનેન્દ્રસિંઘ મલિક અગ્રક્રમે આવે છે. આ બન્ને અધિકારીઓ અનુક્રમે ઓક્ટોબર 2027 અને નવેમ્બર 2028માં નિવૃત્ત થવાના છે. એટલે કે નવા પોલીસ વડા જે કોઇ આવશે તેમનો ટેન્યોર એક વર્ષ કરતાં વધારે હશે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલીની પ્રક્રિયા પાછી ઠેલાતી જાય છે. આઇબી અને ક્રાઇમ બ્રાન્ચ જેવી અનેક સંખ્યાબંધ જગ્યાઓ ખાલી પડી છે. સચિવાલયમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, ગૃહ વિભાગમાં બદલીઓ તો ઠીક ૧૫ જેટલા એસપી કક્ષાના અધિકારીઓને પોસ્ટિંગ આપવાનું બાકી છે. એટલું જ નહીં પાંચ પ્રમોટી ડીઆઇજીનું પોસ્ટિંગ પણ પેન્ડિંગ છે. ચર્ચાઇ રહ્યું છે કે જ્યારે પણ પોલીસની બદલીઓ થશે ત્યારે તેની યાદીમાં 40થી વધુ આઇપીએસ અધિકારીઓ હોઈ શકે છે, કારણકે જે અધિકારીને એક જ જગ્યાએ 3 વર્ષ પૂરાં થયાં છે તેમને પણ બદલવામાં આવી શકે છે. રાજ્યમાં જેમ આઇએએસની બદલીઓ ટલ્લે ચઢી છે તેમ પોલીસની બદલીઓ પણ વિલંબિત થતી જાય છે.