દહેગામમાં બંધ પાળી પહેલગામ આતંકી હુમલાના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
દહેગામ: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આજે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દહેગામના વેપાર-ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. દહેગામ વેપારી મહામંડળ, દહેગામ એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ (દહેગામ), આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ (દહેગામ) તેમજ દહેગામના તમામ એસોસિએશન, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરજનોએ આ બંધમાં સહભાગી થઈને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે સવારથી જ દહેગામનું બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો વારાહી માતાજીના મંદિર ખાતે એકત્ર થયા હતા અને ત્યાંથી એસ.ટી. ચોક સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં ઉપસ્થિત લોકોએ મૃતકોને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને આ દુઃખદ ઘટના પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. દહેગામના તમામ વર્ગના લોકોએ સ્વયંભૂ રીતે બંધમાં જોડાઈને આતંકવાદ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને મૃતકોના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સહાનુભૂતિ પાઠવી હતી.