માણસામાં ગેરકાયદે આનંદ મેળામાં દુર્ઘટના: બાળકીના મોત બાદ ન્યાય માટે મૌન રેલી
માણસા: સ્કૂલ વેકેશન દરમિયાન રાજ્યભરમાં શરૂ થયેલા આનંદ મેળામાં સુરક્ષાનો અભાવ ફરી સામે આવ્યો છે. માણસા શહેરમાં કલોલ રોડ પર કોઈપણ પ્રકારની મંજૂરી વિના શરૂ કરાયેલા આનંદ મેળામાં એક દુર્ઘટના બની હતી. થોડા દિવસો પહેલા ફૂંકાયેલા ભારે પવનને કારણે બાળકો માટે મુકાયેલા “મિકી માઉસ બોન્ઝી ફુગ્ગા”માંથી બાળકો નીચે પટકાયા હતા.
આ ઘટનામાં બે બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમને તાત્કાલિક અમદાવાદ સારવાર માટે ખસેડાઈ હતી. દુર્ભાગ્યે, સારવાર દરમિયાન તેમાંથી એક પાંચ વર્ષીય બાળકીનું કરુણ અવસાન થયું. મળતી માહિતી મુજબ, શ્યામલાલ રાવળ નામના વ્યક્તિએ વહીવટી મંજૂરી વિના આ મેળો શરૂ કર્યો હતો. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મૃતક બાળકીને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે માટે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને શહેરીજનો કાળી પટ્ટી ધારણ કરીને અને બેનરો સાથે જોડાયા હતા.