ગાંધીનગરમાં ચરસ રેકેટનો પર્દાફાશ: ૫૯ હજારનો મુદ્દામાલ જપ્ત, હિમાચલ-આણંદ કનેક્શન ખુલ્યું
ગાંધીનગર: ગાંધીનગર રેલવે સ્ટેશન પાર્કિંગ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને સુરતના અમરોલીનો રહેવાસી વિપુલ વર્જણભાઈ ભુવો ચરસના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે. તેની પાસેથી ૩૬૩.૨૮૦ ગ્રામ હશીશ (ચરસ) જેની કિંમત ₹૫૪,૦૦૦ છે, તે ઉપરાંત બેગ અને મોબાઈલ મળી કુલ ₹૫૯,૯૯૨નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
વિપુલની પૂછપરછમાં આ નેટવર્કમાં સામેલ હિમાચલ પ્રદેશના સુનિલ આહિર, કિંગ બાબા, હની, પ્રતાપ, માનસિંહ અને આણંદના સમીરખાન રાણા સહિત કુલ છ અન્ય આરોપીઓના નામ બહાર આવ્યા છે. આ તમામે સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ માટે શોધખોળ ચાલી રહી છે.
રેલવે પોલીસ હવે આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈન અને ગાંધીનગરમાં ચરસ કોને પહોંચાડવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ યુવાનોમાં નશીલા પદાર્થોના સેવનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે આ કાર્યવાહી ખૂબ મહત્વની બની રહી છે.