ચૂંટણી પંચની મોટી પહેલ: હવે માત્ર ૧૫ દિવસમાં મળશે નવું Voter ID Card
નવી દિલ્હી: ભારતના નાગરિકો માટે સારા સમાચાર છે. મતદાર ઓળખપત્ર બનાવવા કે તેમાં ફેરફાર કરવા માટે હવે લાંબી રાહ જોવી પડશે નહીં. ચૂંટણી પંચે મતદાર ઓળખપત્રની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે, જેના મુજબ અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના માત્ર ૧૫ કામકાજના દિવસોમાં જ નવું કે ફેરફાર કરેલું વોટર આઈડી કાર્ડ મતદારોને મળી જશે.
અગાઉ આ પ્રક્રિયામાં અઠવાડિયાથી લઈને મહિનાઓ સુધીનો સમય લાગતો હતો, પરંતુ નવી વ્યવસ્થા હેઠળ ડેટા વેરિફિકેશન, કાર્ડ પ્રિન્ટિંગ અને ડિલિવરીને સમયબદ્ધ કરવામાં આવી છે. આ નવો નિયમ માત્ર નવા કાર્ડ માટે જ નહીં, પરંતુ નામ, સરનામું, ફોટો કે ઉંમરમાં ફેરફાર કરવા માંગતા મતદારોને પણ લાગુ પડશે.
ચૂંટણી પંચે આ નિર્ણયને લોકશાહી ભાગીદારી વધારવા માટેની પહેલ ગણાવી છે. પંચે જણાવ્યું કે, ડિજિટલ અને ફિઝિકલ બંને ફોર્મેટમાં કાર્ડની ડિલિવરી ટ્રેકેબલ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં દરેક જિલ્લામાં આ માટે અલગ ડેસ્ક પણ તૈયાર કરાશે. નાગરિકો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ (https://voters.eci.gov.in) પરથી અરજી કરી શકે છે અને સ્ટેટસ અપડેટ મોબાઈલ નંબર કે ઈ-મેઈલ દ્વારા મેળવી શકશે.