ગાંધીનગર ગ્રામ પંચાયત ચૂંટણી: ૮૯ બેઠકો પર રવિવારે મતદાન, રાજકારણ ચરમસીમાએ
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. અગાઉ ૧૯૬ ગ્રામ પંચાયતો માટે જાહેરનામું બહાર પડાયું હતું, પરંતુ ઘણી બેઠકો બિનહરીફ થતાં અને ૨૫ ગ્રામ પંચાયતો સમરસ બનતા, હવે ફક્ત ૮૯ ગ્રામ પંચાયતોમાં જ ચૂંટણી જંગ ખેલાશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ગામડાનું આંતરિક રાજકારણ હાલ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે.
સરપંચના ઉમેદવારો કોઈપણ ભોગે જીત મેળવવા માટે “સામ-દામ-દંડ-ભેદ” ની નીતિ અપનાવી રહ્યા છે. આ માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકવામાં આવી છે. કેટલાક ગામોમાં ઘરદીઠ પાંચ હજાર રૂપિયા, જ્યારે અન્ય સ્થળોએ તેલના ડબ્બા, ગોળના રવા, દારૂ અને ચવાણાનું છૂટથી વિતરણ થઈ રહ્યું છે. ઉમેદવારો પ્રતિષ્ઠાનો આ જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને શનિવારની રાતને “કતલની રાત” તરીકે ઓળખાવવામાં આવી રહી છે, જ્યાં હાર-જીતના સમીકરણો બદલાઈ શકે છે.