ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: 4564 પંચાયતોના પરિણામ જાહેર થવાની શરૂઆત, ઉત્સાહભર્યો માહોલ
ગાંધીનગર: કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામો બાદ હવે સૌની નજર ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામો પર કેન્દ્રિત થઈ છે. આજે, બુધવારે, સરપંચ અને સભ્યો માટે થયેલા મતદાનની ગણતરી શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 8 હજારથી વધુ ઉમેદવારો અને 16,224 સભ્યો માટે 70 હજારથી વધુ દાવેદારો મેદાનમાં હતા. મતગણતરી કેન્દ્રો પર ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તમામ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 78.20 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં 58.56 લાખ મતદારોએ ભાગ લીધો હતો. ડાંગમાં સૌથી વધુ 89.54 ટકા અને પોરબંદરમાં સૌથી ઓછું 66.77 ટકા મતદાન થયું હતું.