રાજ્યના 111 તાલુકામાં ભારે વરસાદ, અનેક સ્થળોએ પવન સાથે 3 ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 111 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ખેડાના માતર અને રાજકોટના લોધીકામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરાના ડેસરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે 12 તાલુકામાં બે ઈંચથી વધુ અને 23 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે કેટલીક જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.