સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: રસ્તા, અંડરબ્રિજ અને ખેતરોમાં પાણી ભરાયા
સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં મોડી રાતથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસતા વરસાદથી રેલવે અંડરબ્રિજ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેના કારણે સવારના સમયે સ્ટેટ હાઈવે પર વિઝીબિલિટી ઘટી હતી. લો વિઝીબિલિટી અને પાણી ભરાવાથી રાહદારીઓ, મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, કડિયાદરા, ચોટાસણ, ચોરવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે. વડાલીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.