ગાંધીનગર ખાતે 12 જુલાઈએ નેશનલ લોક અદાલતનું આયોજન
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર દ્વારા 12 જુલાઈ, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA)ના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલત ગાંધીનગર જિલ્લાની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોમાં યોજાશે.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુશ્રી હિતા આઈ. ભટ્ટ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનારી આ લોક અદાલતમાં સમાધાન દ્વારા કેસોનો નિકાલ કરવામાં આવશે. જેમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138ના કેસ, બેંકના લેણાના દાવા, મોટર અકસ્માત વળતરના કેસ, લેબર સંબંધિત કેસ, ઇલેક્ટ્રિસિટી અને પાણીના વેરાના કેસ, લગ્ન વિષયક કેસ (છૂટાછેડા સિવાયના), જમીન સંપાદનના કેસ, પે, એલાઉન્સ અને રિટાયરમેન્ટ બેનિફિટ્સ સંબંધિત સર્વિસ મેટર, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ અને ટ્રાફિક ઇ-મેમો જેવા વિવિધ પ્રકારના કેસોનો સમાવેશ થાય છે.
જે પક્ષકારો, બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના પેન્ડિંગ અથવા પ્રિ-લિટીગેશન કેસોનું સુખદ સમાધાન કરવા ઇચ્છતા હોય, તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર અથવા કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગરની તાલુકા કાનૂની સેવા સમિતિ કચેરીનો સંપર્ક કરી શકે છે.
વધુ માહિતી માટે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર, રૂમ નંબર 101, પ્રથમ માળ, ન્યાયમંદિર, સેક્ટર-11, ગાંધીનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે. લોક અદાલતનો મૂળભૂત સિદ્ધાંત છે: “લોકોની અદાલત”, જ્યાં “ના કોઈનો વિજય, ના કોઈનો પરાજય.”