મુખ્યમંત્રીએ RSSના વરિષ્ઠ પ્રચારક સ્વ. માધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
ગાંધીનગર તા. ૨૬ સપ્ટેમ્બર-, ગાંધીનગરના સેક્ટર- ૭મા આવેલા ભારત માતા હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક સ્વ. માધુભાઈ કુલકર્ણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. RSS ના વરિષ્ઠ પ્રચારક, ૮૮ વર્ષીય મધુભાઈ કુલકર્ણીનું તા. ૧૮/૦૯/૨૦૨૫ના બપોરે ૧૨:૩૦ વાગ્યે સંભાજીનગર સ્થિત હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે પોતાના શરીરનું દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે દાન તેમની ઇચ્છા મુજબ થયું હતું. આજરોજ ગાંધીનગર ખાતે તેમની શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રીશ્રીએ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધુભાઈનો જન્મ ૧૭ મે, ૧૯૩૮ના દિવસે કોલ્હાપુર મુકામે થયો હતો. શાળાકીય શિક્ષણ ચિકોડી ગામે થયું. તેમનો સંઘપ્રવેશ પણ ત્યાં જ થયો. સ્વાતંત્ર્ય પહેલાના અને સ્વાતંત્ર્ય પછીના એમ બંને કાળખંડના તેઓ સાક્ષી હતા .દયાનંદ શૈક્ષણિક મહાવિદ્યાલય, સોલાપુરથી ૧૯૬૦-૬૧ દરમિયાન તેમણે બી. એડ. કર્યું હતું.
તેમણે ૧૯૬૨-૬૩માં જળગાંવના તાલુકા પ્રચારક થી જિલ્લા પ્રચારક તરીકે, સંભાજીનગર, વિભાગ પ્રચારક, સોલાપુર વિભાગ, મહાનગર પ્રચારક, પૂણે, પ્રાંત પ્રચારક, ગુજરાત, ક્ષેત્ર પ્રચારક, પશ્ચિમ ક્ષેત્ર, અ. ભા. બૌદ્ધિક પ્રમુખ, કેન્દ્ર —ભાગ્યનગર(હૈદરાબાદ), પાલક, ઉત્તર પ્રદેશ, લખનૌ તથા દાયિત્વમુક્ત વરિષ્ઠ પ્રચારક(કેન્દ્ર-સંભાજીનગર) જેવી વિવિધ સ્તરની જવાબદારીઓનું આદર્શ રીતે વહન કર્યું હતું.