ગાંધીનગર મહાનગરપાલિકા રાજ્યમાં અવ્વલ: ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન હેઠળ સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક
ગાંધીનગર મહાનગરપાલિકાને ગુજરાત સરકારના ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન હેઠળ મોટી સિદ્ધિ મળી છે. ૩ લાખથી ૧૦ લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં ગાંધીનગરને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં ₹૧.૨૫ કરોડનું ઇનામ પણ મળ્યું હતું.
‘મારું શહેર, સ્વચ્છ શહેર’ ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે કરાયું હતું. આ મૂલ્યાંકન માટે એક થર્ડ પાર્ટી એજન્સી દ્વારા દર ત્રણ મહિને સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છ સર્વેક્ષણના તમામ માપદંડો અને નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં લેવાયા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આધુનિક ટેક્નોલોજી અપનાવી છે. કચરાનું ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કલેક્શન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, નાગરિકોની સક્રિય ભાગીદારીથી કચરાનું સ્ત્રોત પર જ વિભાજન (સોર્સ સેગ્રીગેશન) વધારવામાં આવ્યું છે. મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ અને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.