બાપુ અને શાસ્ત્રીજીને PM મોદીની શ્રદ્ધાંજલિ: ‘ગાંધીના આદર્શોએ ઇતિહાસની દિશા બદલી, શાસ્ત્રીજીનું સૂત્ર પ્રેરણા આપે છે’
આજે બીજી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં રાજઘાટ ખાતે જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત, તેમણે વિજય ઘાટની પણ મુલાકાત લીધી, જ્યાં તેમણે લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને યાદ કરતા લખ્યું કે, “ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખી. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તન લાવી શકે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ગાંધીજી સેવા અને કરુણાને લોકોને સશક્ત બનાવવાનું સૌથી મોટું સાધન માનતા હતા. તેમણે વિકસિત ભારત બનાવવાના કાર્યમાં ગાંધીજીના માર્ગને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
બીજી ઓક્ટોબરે જન્મજયંતિ ધરાવતા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરીને વડાપ્રધાને તેમને એક અસાધારણ રાજનેતા ગણાવ્યા. વડાપ્રધાન મોદીએ લખ્યું, “શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રામાણિકતા, નમ્રતા અને નિશ્ચયે પડકારજનક સમયમાં પણ ભારતને મજબૂત બનાવ્યું. તેઓ અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા.” તેમણે શાસ્ત્રીજીના લોકપ્રિય સૂત્ર ‘જય જવાન જય કિસાન’ ને યાદ કરીને કહ્યું કે તે આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરે છે અને એક મજબૂત તથા આત્મનિર્ભર ભારત બનાવવાના પ્રયાસોમાં આપણને પ્રેરણા આપતા રહે છે.