મેઘરાજાની વિદાયની છેલ્લી ઇનિંગ: સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ તાલુકાઓમાં ગુરુવારે ૧ થી ૩ ઇંચ વરસાદ
ગુજરાતમાંથી વિદાય લઈ રહેલા ચોમાસાએ જતાં-જતાં ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોને ધમરોળ્યા છે. દશેરાના દિવસે ગુરુવારે સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૭ તાલુકાઓમાં ૧ થી ૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ ૧૦૪ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની હાજરી નોંધાઈ છે. નવરાત્રિમાં બે દિવસ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યા બાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે આજે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદના વાતાવરણમાં પણ ગુરુવારે પલટો આવ્યો હતો. બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઉસ્માનપુરા, નવા વાડજ, ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, જોધપુર, સરખેજ અને મકતમપુરા જેવા અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. જોકે, ભારે વરસાદની આશા ઠગારી નીવડી હતી. શહેરમાં સવારના ૬ થી રાતના ૮ વાગ્યા સુધીમાં સરેરાશ ૦.૧૫ મિલીમીટર વરસાદ નોંધાયો, જેના પગલે મોસમનો કુલ વરસાદ ૪૨.૫૨ ઇંચ થયો છે. વરસાદની સાથે જળસ્રોતોની વાત કરીએ તો, વાસણા બેરેજનું લેવલ ૧૩૪.૨૫ ફૂટ નોંધાયું હતું. નર્મદા કેનાલમાંથી ૭,૦૨૧ ક્યુસેક અને સંત સરોવરમાંથી ૫,૧૮૬ ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો હતો. સાવચેતીના ભાગરૂપે બેરેજના ચાર ગેટ ૨ થી ૩.૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.