દહેગામ-ચિલોડા હાઇવે પર ટ્રેક્ટર ટ્રોલી સાથે ધડાકાભેર ઇકો કાર અથડાતા યુવાનનું મોત
ગાંધીનગર નજીક દહેગામ-ચિલોડા હાઇવે પર રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડભોડા ત્રણ રસ્તા પાસે ઇકો કાર ધસમસતી આવીને રસ્તે જતી ટ્રેક્ટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારનો બુકડો વળી ગયો હતો અને કાર ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. ડભોડા પોલીસે આ બનાવ સંબંધે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનનું નામ મેહુલ કીરીટભાઇ જયસ્વાલ હતું,
જે મોટા ચિલોડા ગામનો રહેવાસી હતો. ટક્કરના કારણે મેહુલનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. આ બનાવ સંબંધે ટ્રેક્ટર ટ્રોલીના ચાલક રવિભાઇ વિષ્ણુભાઇ દંતાણીએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, તેઓ રાત વેળાએ ટ્રેક્ટર-ટ્રોલી લઈને પાલજ ઓવરબ્રિજ થઈને ડભોડા ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી આવેલી ઇકો કાર ટ્રોલી સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે માત્ર કારનો બુકડો જ નહોતો વળી ગયો, પરંતુ ટ્રોલીની દિશા પણ ફરી ગઈ હતી. અકસ્માતનો મોટો ધડાકો સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.