યુવાનો પર દમનગીરી બાદ બોલ્યા ગૃહમંત્રી- બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહી થાય
ગાંધીનગર
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કોંગ્રેસે ઉઠાવેલાં મુદ્દા બાદ સમગ્ર ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાનોમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગર આવેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસ તેમની પાછળ દોડી અને ગુનેગારોની જેમ દોડાવી દોડાવીને માર્યા હતા. જેમા પોલીસ દ્વારા કેટલાક યુવાનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. સચિવાલય ખાતે એકઠાં થવાનાં વાયરલ મેસેજ અંગે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લીધો છે. તો સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલાં યુવાનોને પોલીસે ભગાડ્યા હતા. ખાખી અને લાઠીનાં ડરને કારણે વિદ્યાર્થીઓને દોડવા મજબૂર થવું પડ્યું છે. શું ગુજરાતમાં શાંતિથી વિરોધ કરી રહેલાં યુવાનો સામે આ દમન કેટલું યોગ્ય ગણાય. શું સરકાર ખાલી હાથે આવેલાં યુવાનોથી એવી તે કેવી ફફડી ઉઠી કે તેઓને પોલીસે દોડાવવા મજબૂર કરી દીધી.
.
બિન સચિવાલય ક્લાર્ક મુદ્દે ગેરરીતિ મામલે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું અને બે દિવસમાં આ મામલે તેઓ જવાબ રજૂ કરશે. તેવું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે, બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા દરમિયાન ગેરરિતી થઇ હતી. પરંતુ પરીક્ષા રદ કરવામાં નહી આવે. ત્યાં જ તેમણે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળને કુલ 39 ફરિયાદો મળી હતી. જે કેન્દ્રો પર ગેરરીતી થઇ છે તેમના વિરૂદ્દ તથા પરિક્ષા કેન્દ્રના ખંડ નિરિક્ષક સહિત તમામ જવાબદાર લોકો વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ટુંક જ સમયમાં મહિલા લોકરક્ષક અંતર્ગત પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે.
રાજ્ય ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં ગોળગોળ વાતો કરી હતી અને પોલીસ દ્વારા યુવાનો પર દમન કરવામાં આવ્યું તે અંગે બોલવાનું ટાળ્યું હતું. ત્યાં જ પોતાની સરકારના વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી હતાશ છે તેઓ યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. રાજ્ય ગૃહ મંત્રીએ રૂપાણી સરકારના વખાણ કરતા કહ્યું કે, સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માંગે છે અને તમામ પરીક્ષાઓમાં ગેરરિતી આચરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર એ વાતનું પણ ધ્યાન રાખશે કે ગેરરિતી કરનાર વ્યક્તિ છૂટી ન જાય અને ખુબ જ પરિશ્રમ કરનાર પરીક્ષાર્થી સાથે કંઇ ખોટૂ ન થાય. ઉલ્લેખનિય છે કે, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ વિરોધ પ્રદર્શન પર ઉતરેલાં પરીક્ષાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ટ્વીટર પર #saveGujratstudents હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ટ્વીટર પર 92 હજાર કરતાં પણ વધારે લોકોએ આ હેશટેગ સાથે ટ્વીટ કર્યું હતું.