ગુજરાત પરીક્ષામાં ગેર રીતી મુદ્દે SIT નીમાશે, સભ્ય યુવરાજસિંહ પણ હશે: વિદ્યાર્થી
ગાંધીનગર
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગને લઈને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણી અંગે સરકારે તેમની સાથે ચર્ચાની તૈયારી બતાવ્યા બાદ પ્રતિનિધિઓ ગાંધીનગર કલેક્ટર ડૉ. કુલદીપ આર્યાને મળ્યા છે. હાર્દિક પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા નામના બે યુવાનો પ્રતિનિધિ બનીને કલેક્ટને મળ્યા અને તેમણે પાંચ માગણીઓ સાથે રજૂઆત કરી છે. કલેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે અમે કલેક્ટર સાહેબને SIT કમિટી બનાવીને ઊંડી તપાસ કરવા માટે રજૂઆત કરી છે. આ કમિટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા પણ હશે તેવું પ્રતિનિધિએ જણાવ્યું છે. આ કમિટીમાં ગૌણસેવાના ચેરમેન અસિત વોરા નહીં હોય તેવું પણ હાર્દિકે જણાવ્યું હતું.
અમે જે ઈચ્છીએ છીએ તે પ્રમાણે નિષ્પક્ષ તપાસની વાત કલેક્ટરે વાત કરી છે. હાર્દિકે કહ્યું કે, કલેક્ટરને અમે જે રજૂઆત કરી છે તે વિશે કલેક્ટર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી જે કોઈ નિર્ણય લેવામાં આવશે તે વિશે અમને જાણ કરવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, કલેક્ટર સાથે ચર્ચા થઈ પરંતુ અમે આંદોલન સમેટી લેવાના નથી અમે વિદ્યાર્થીઓ સાથે જ જઈને બેસવાના છીએ.
પરીક્ષા રદ કરવાની માંગ અંગે હાર્દેકે કહ્યું કે, SIT કમિટીની વાત કરવામાં આવી છે, આ કમિટીમાં એક વિદ્યાર્થી (યુવારાજસિંહ જાડેજા), પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું કે, જે લોકો અહીં ધરણા કરી રહ્યા છે તેમની રજૂઆત અમે સાંભળી છે. જેની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. વિદ્યાર્થી પ્રતિનિધિઓએ આ મામલે SITની રચના કરવાની માંગ કરી છે. વિદ્યાર્થી નેતાઓએ કહ્યું કે, અમે ચર્ચા કર્યા બાદ કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે તેઓ અમારા પાંચ મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચા કરીને બે કલાકમાં જવાબ આપશે. આ જવાબ હકારાત્મક હશે તેવો વિશ્વાસ પણ વિદ્યાર્થી નેતાઓએ કર્યો છે.