અમરેલીમાં કોરોના વિસ્ફોટ, 29 નવા કેસ નોંધાયા, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા.
અમરેલી :
અમરેલી જિલ્લામાં આજે કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમરેલી જિલ્લામાં નવા કેસ સાથે 24 કલાકમાં 3 વ્યક્તિનાં મોત થયા છે. જિલ્લામાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 14 વ્યક્તિનાં મોત થઈ ગયા છે. 24 જ કલાકમાં અમરેલીમાં 29 કેસ અત્યારસુધીનો રેકોર્ડ છે. અગાઉ ગઈકાલે સાંજે 24 કલાકના ડેટા મુજબ 18 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના વાયરસથી ત્રણ મોત થતા ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં માઇગ્રેશન થયું છે. સુરતના રહેવાસીઓ મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં આવી પહોચ્યા છે. આજે અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં 5 કેસ, લાઠી તાલુકામાં પાંચ કેસ, ખાંભામાં 5 કેસ, લાઠીમાં ચાર કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી તાલુકામાં ચાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત લીલીયા, કુકાવાવ અને વડીયામાં કેસ નોધાયા છે. અમરેલી જિલ્લો જે એક સમયે કોરોના મુક્ત હતો તેમાં સુરત અને અમદાવાદ ઉપરાંત મુંબઈથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારબાદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 181 કેસ પોઝિટિવ છે અને 14 મોત થયા છે.