ગાંધીનગરગુજરાત

ગાંધીનગર શહેર-જિલ્લામાં 15 દિવસમાં કોરોનાગ્રસ્ત 153 પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર :
દિવાળી બાદ નવા વર્ષમાં જે રીતે કોરોનાની બીજી લહેર આક્રમક બની હતી તેની સીધી અસર નગરજનોના સ્વાસ્થ્ય ઉપર પડી છે. તહેવારોમાં પણ ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો જોવા મળતી હતી. તો હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા હોવાના કિસ્સા પણ સાંભળવા મળ્યાં છે. આ દરમિયાન ગાંધીનગર શહેર અને જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો ખુબ જ ઝડપથી આગળ વધ્યો છે. નવા વર્ષમાં એટલે કે તા.૧૬ થી ૨૬ નવેમ્બર દરમ્યાનના દસ દિવસ સુધીમાં જ ૧૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓએ ગાંધીનગરમાં જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદના ગઇકાલ સુધીના ચાર દિવસમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના દરરોજ સાત સાત પોઝિટિવ દર્દીના મોત થતાં હોવાનું જાણવા મળતું હતું. જ્યારે મંગળવારે ૨૪ કલાક દરમિયાન સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ ૬ પોઝિટિવ દર્દીના મોત નિપજ્યાં છે. આ સાથે છેલ્લા ૧૫ દિવસમાં ગાંધીનગર શહેર-જિલ્લામાં કોરોનાગ્રસ્ત 153 પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા છે.
ઠંડીની સાથે કોરોનાનો ચેપી અને જીવલેણ વાયરસ વધુ આક્રમક અને પ્રાણઘાતક બનશે તેવી નિષ્ણાંતોએ શક્યતા વ્યક્ત કરી હતી પરંતુ ગુજરાતનું તંત્ર દિવાળીની ઉજવણીમાં પડયું હતું. તંત્રની સાથે રાજ્યના નાગરિકો પણ બેફિકર થઇ ગયા હતા અને દિવાળીની ઉજવણી માટે બજારોમાં જાણે કોરોના જેવો કોઇ રોગ હોય જ નહીં તે રીતે ભીડ કરી હતી. તેના માઠા પરિણામો નવા વર્ષની શરૂઆતથી જ મળવાના શરૂ થઇ ગયા હતા. કોરોનાનું સંક્રમણ એ હદે વધી ગયું હતું કે, ગાંધીનગર શહેરના કોવિડ ટેસ્ટીંગ બુથ બહાર તહેવારોમાં પણ લાંબી લાઇનો લાગી હતી. તો બીજી બાજુ હોસ્પિટલોમાં પથારીઓ ખુટી પડી હતી. તે દરમિયાન ઓક્સિજનમાં ક્ષતિ સર્જાવાના પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨૦ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત પણ નિપજ્યાં હોવાનું સામે આવ્યું હતું. તો તા.૨૦ નવેમ્બરને શુક્રવારના સાંજે પથારીઓ ફુલ થઇ જતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવા માટે સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી. સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાવા ઉપરાંત બીજી લહેરમાં કોરોના વાયરસ નાકથી ફેંફસા સુધી ખુબ જ ઝડપથી ગતિ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે નવા વર્ષના શરૂઆતથી એટલે કે તા.૧૬ થી તા.૨૬ નવેમ્બર દરમિયાનના દસ દિવસમાં કુલ ૧૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં હતાં. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો ત્યારબાદ પણ ચાલ્યો હતો. તા.૨૭ થી તા.૩૦ નવેમ્બર સુધીના ચાર દિવસમાં દરરોજ સાત સાત ગાંધીનગર શહેર અને જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતાં હતાં. જ્યારે તા.૧ ડિસેમ્બરના રોજ ૨૪ કલાક દરમિયાન કોરોના પોઝિટિવ ગાંધીનગર શહેર અને જિલ્લાના વધુ ૬ દર્દીઓના મોત થયાં છે. જેમાં સેક્ટર-૩ના ૬૫ વર્ષિય તથા સે-૨૮ના ૮૪ વર્ષિય વૃધ્ધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના ભાટ, માણસા તાલુકાના માણેકપુર તેમજ દહેગામ અને કલોલમાં એક-એક કોરોના પોઝિટિવ વૃધ્ધ દર્દીના ૨૪ કલાક દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે ગાંધીનગરમાં નવા વર્ષના પ્રથમ પંદર દિવસમાં ૧૫૩ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી બાજુ કોરોના ઉપરાંત મૃત્યુ માટે અન્ય બિમારીઓ પણ જવાબદાર હોવાના કારણે આ ૧૫૩ પૈકી ફક્ત ત્રણ જ દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધવામાં આવ્યાં છે. ગાંધીનગરમાં મૃત્યુ પામનારા ૧૫૦ પોઝિટિવ દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ ૬૫ થી ૭૦ વર્ષની વચ્ચેની વયના હોવાનું સામે આવી રહ્યંુ છે. જ્યારે દર્દીને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન મોડુ થવા ઉપરાંત તેમને સારવારમાં વિલંબ થયો હોવાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે જે ચિંતાજનક છે તેમ તબીબો માની રહ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x