સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ભારતના 562 દેશી રજવાડાઓના ઈતિહાસની ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ તૈયાર થશે
ગાંધીનગર :
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવશે. સમગ્ર 562 દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણની ભવ્ય ગાથા અને વિરાસત તેમજ સ્વરાજ્યના મહાત્મા ગાંધી સરદાર સાહેબના સપનાને સુરાજ્યમાં સાકાર કરવાની યાત્રામાં આ ઐતિહાસિક મ્યૂઝિયમ અભ્યાસુઓ, સંશોધકો તેમજ પર્યટકો માટે એક નવું નજરાણું બનશે.
આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે. દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અત્યાધુનિક 3D મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.