IITE ગાંધીનગર ના વિદ્યાર્થીઓના ફી માફીની માંગણી સાથે પ્રતિક ઉપવાસ
ગાંધીનગર :
ગાંધીનગર શહેરના સેક્ટર-૧પમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ અવાર નવાર વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં અમર્યાદિત સમયના પ્રતિક ઉપવાસ શરૂ કરીને ધરણાં ચાલુ કર્યા છે. પ્રથમ સત્રની પ૦ ટકા ફી માફી તથા દ્વિતીય સત્રનું ભોજન બીલ અને કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને શિક્ષણ ફી બાદ કરવાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આઇઆઇટીઇમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ સુવિધાઓના અભાવે હેરાન પરેશાન થઇ રહ્યા છે જે અંગે રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કરીને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યા છે. તો પડતર પ્રશ્નોની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કુલપતિને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. વર્ષ ૨૦૧૯-૨૦નું દ્વિતીય સત્રનું ભોજન બીલ પરત કરવામાં આવે તો પ્રથમસત્રની ૫૦ ટકા ફી માફી અને બાકીની રકમના બે હપ્તા કરવા સહિત પ્રથમ વર્ષ યુ.જી.થી રીસર્ચના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે અને પરીક્ષા ફીમાં ઘટાડો કરવાની માંગ પણ કરી છે. કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓની શિક્ષણ ફી બાદ કરવામાં આવે તેમજ કોન્વોકેશન ફી અને ડોક્યુમેન્ટ મેળવવા માટે લેવામાં આવતી ફીમાં ઘટાડો કરવામાં આવે તેમજ જે વિદ્યાર્થીઓના સ્કીલ સર્ટીફિકેટ આપવાના બાકી છે તેમને એનાયત કરવામાં આવે અને જે કોર્ષના કલાસ જ લેવામાં આવ્યા નથી તેની ફી પરત કરવાની માંગ સાથે અમર્યાદિત સમય માટે વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં જલદ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.