ગાંધીનગર

ગુજરાત બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઉત્તરાયણ બાદ ભરાશે, ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઇન થશે,

ગાંધીનગર :

ગુજરાત શિક્ષણ બોર્ડ પણ હવે ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તરવહીઓનું ચેકિંગ ઓનલાઇન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને બોર્ડ ડિજિટલાઇઝેશન તરફ વધુ એક પહેલ કરતાં આગામી બોર્ડ પરીક્ષાથી ઓનલાઈન એસેસમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એ માટે હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ઉચ્ચ શિક્ષણમાં હાલ GTU સહિતની કેટલીક યુનિ.ઓ દ્વારા પરીક્ષાઓ બાદ ઓનલાઈન એસેસમેન્ટ કરાવવામાં આવે છે. ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરાયણ સુધીમાં અથવા ઉત્તરાયણ બાદ બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય એવી શક્યતા છે. ગુજરાત બોર્ડની પરીક્ષા 10 મે અથવા 17 મેથી શરૂ થાય એવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને એના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાશે. ત્યાર બાદ ઉત્તરાયણ પછી ધો.10-12ની બોર્ડ પરીક્ષાનાં તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૂ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 2021ની બોર્ડ પરીક્ષાને લઈને એસેસમેન્ટ સર્વિસ માટે ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમાં એજન્સી પાસેથી દરખાસ્તો મગાવવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે સૌથી ઓછા વિદ્યાર્થી હોય એવા કોઈ એક ધોરણની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું સ્કેનિંગ કરી ઓનલાઈન એસેસમેન્ટ કરાશે. હાલ બોર્ડ દ્વારા પરીક્ષા બાદ રાજ્યના વિવિધ ઝોનમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહીઓનાં બંડલો ગાડીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને દરેક કેન્દ્રમાં શિક્ષકો રૂબરૂ જઈને ઉત્તરવહીઓ તપાસી એના માર્કસ પણ મેન્યુઅલી મૂકે છે અને ત્યાર બાદ એમાંથી પરિણામનો કમ્પ્યુટરાઈઝ ડેટા તૈયાર કરવામાં આવે છે.

 CBSE દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ ગુજરાત બોર્ડના ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે. જોકે એ પહેલાં પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ, 10 મે અથવા 17 મેથી ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષા શરૂ થાય એવી શક્યતા છે. હાલ આ બે તારીખ નક્કી છે, જેના પર સરકારની મંજૂરી બાકી છે. બોર્ડ પરીક્ષા માટે સ્કૂલ રજિસ્ટ્રેશન તથા ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની હાલ તૈયારીઓ ચાલી રહી છે. થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૂ થશે.

સ્કૂલો અને શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરાયા બાદ ઉત્તરાયણ પછી બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરાવાનું શરૂ થશે. પ્રથમ તબક્કામાં ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરવાની શક્યતા છે અને ત્યાર બાદ તબક્કાવાર 12 સા.પ્ર. અને ધો.10ના સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન થશે. અંદાજે 18થી 19 લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાતી હોઈ વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરવા અને બેથી ત્રણ વાર ફોર્મ ભરવાની મુદત આપ્યા બાદ સેન્ટરો ગોઠવવામાં ઘણો સમય લાગે એમ હોઈ, બોર્ડે હવે ઉત્તરાયણ બાદ પ્રક્રિયા શરૂ કરી દેવી પડે એમ છે. જોકે સ્કૂલો ફેબ્રુઆરી સુધી નહીં ખૂલે. ફેબ્રુઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી એ બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇ લેવલ કમિટી નિર્ણય કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x