PM મોદી મોટેરા-ગાંધીનગર મેટ્રો રૂટનું ખાતમુહૂર્ત કરશે
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાયણ પહેલાં કરી શકે છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન તેમની આગામી મુલાકાત દરમિયાન મોટેરા અથવા ગાંધીનગરમાં આ ખાતમૂહુર્ત કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીના મેટ્રોરેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો 28 કિલોમીટર લાંબો અને સંપૂર્ણ એલિવેટેડ રૂટ ધરાવતો હશે જે ગત વર્ષે જાન્યુઆરીમાં શરુ થવાનો હતો પરંતુ કેટલાંક કારણોસર આ તબક્કો શરૂ થયો ન હતો અને હવે તે વડાપ્રધાનના હસ્તે એક વર્ષ મોડો શરૂ થશે. આ માટેના ટેન્ડર ફ્લોટ થઇ ગયાં છે. આ ઉપરાંત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટેન્ડર પણ નક્કી થઇ ગયાં હોવાથી તેનું ખાતમૂહુર્ત પણ વડાપ્રધાનના હસ્તે થશે.
અમદાવાદમાં હાલ પ્રથમ તબક્કાનો 40 કિલોમીટર લાંબો રૂટ 2022 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આ રૂટનું ઉદ્ઘાટન કરી દેવાની તૈયારી . જો કે તે પૂર્વે તબક્કાવાર કેટલાંક પટ્ટામાં મેટ્રો દોડાવવાનું આયોજન છે. આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો બીજો તબક્કો અને સૂરત મેટ્રો રેલનો પ્રોજેક્ટ 2024ના મધ્યભાગ સુધીમાં કાર્યરત થઇ જશે.
આ ઉપરાંત વડાપ્રધાન ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટેલ તથા કેવડિયા કોલોની ખાતે સ્થપાયેલાં રેલ્વે સ્ટેશનથી વડોદરા સુધીની રેલ સેવાને લીલી ઝંડી આપશે. આ દરમિયાન તેઓ પાટીદારોના એક સંમેલનમાં પણ હાજરી આપશે.