એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો જેવી કંપનીઓની ઉઘાડી લૂંટ
પારિક સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેટ)અે એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો, સ્વિગી સહિત અનેક ઈ-કોમર્સ કંપનીઓ પર ખુલ્લેઆમ લૂંટ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. કેટે કહ્યું કે આ કંપનીઓ ઉત્પાદનોની જાણકારી ન આપી લીગલ મેટ્રોલોજી(પેકેજ્ડ કોમોડિટી) એક્ટ-2011 અને એફએસએસએઆઈના નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે.
કેટે આરોપ મૂક્યો કે પ્રોડક્ટ કયા દેશમાં બની છે? તેનો નિર્માતા કોણ છે? કંપનીઓ તે અંગે કોઈ માહિતી આપતી નથી. સંગઠને આ મામલે વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલને પણ પત્ર લખ્યો છે. તેમાં ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે એફએસએસએઆઇએ ઉત્પાદનો પર માહિતી લખવાનો નિયમ ફેબ્રુઆરી 2017માં લાગુ કર્યો હતો. નિયમ પાલન માટે 6 મહિનાની મુદ્દત અપાઈ હતી જેથી જાન્યુઆરી-2018થી તેને લાગુ કરી શકાય પણ 3 વર્ષ વીતી જવા છતાં આ નિયમોનું પાલન થઇ રહ્યું છે. કાયદા ભંગ બદલ સજાની પણ જોગવાઈ છે.
માહિતી આપવી કાયદાકીય રીતે જરૂરી
ઈ-કોમર્સ પોર્ટલ પર વેચાતા ઉત્પાદનો અંગે તમામ જાણકારી આપવી કાયદાકીય રીતે જરૂરી છે. લીગલ મેટ્રોલોજી એક્ટ-2011ના નિયમ-10માં તેની જોગવાઈ છે. તે મુજબ ઈ-કોમર્સ કંપનીઓને પોર્ટલ પર વેચાતા તમામ ઉત્પાદનો પર નિર્માતાનું નામ, સરનામું, મૂળ દેશનું નામ, વસ્તુનું નામ વગેરે વિગતો લખવાની હોય છે.